Vitamins In Gujarati
વિટામિન
- શરીર માટે ખૂબ જ અલ્પ માત્રામાં પણ અત્યંત જરૂરી એવા સકાર્બનિક (ઑર્ગેનિક) રાસાયણિક સંયોજનને વિટામિન કહેવામાં આવે છે .
- વિટામિન શરીરમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓ માટે , શરીરની સામાન્ય વૃદ્ધિ
માટે , કોષની ક્રિયાશીલતા માટે જરૂરી છે .
વિટામિનના પ્રકાર: દ્રવ્યતાના આધારે વિટામિનના બે પ્રકાર
પડે છે:
(1) પાણીમાં દ્રાવ્ય વિટામિન: પાણીમાં દ્રાવ્ય વિટામિન B કૉપ્લેક્ષ અને C છે. આ પ્રકારના વિટામિનનો સંગ્રહ શરીરમાં
લાંબા સમય સુધી થઈ શકતો નથી. આ કારણથી રોજિંદા
ખોરાકમાં આ વિટામિનનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છ. દવાના સ્વરૂપમાં આ વિટામિનો વધુ
પ્રમાણમાં લેવામાં આવે , તો શરીર તેના પર આધારિત થાય છે અને
વધારાનું વિટામિન પેશાબ વાટે બહાર નીકળી જતું હોવાથી સરવાળે નુકસાન થાય છે.
( 2 ) ચરબીમાં દ્રાવ્ય વિટામિન : ચરબીમાં દ્રાવ્ય વિટામિન A , D , E અને K છે . આ પ્રકારનાં વિટામિનનો સંગ્રહ શરીરમાં
થઈ શકે છે . ચરબીવાળો ખોરાક ઓછો લેવાતો હોય કે
ચરબીનું પાચન બરાબર ન થતું હોય , ત્યારે આ પ્રકારનાં
વિટામિનોની ખામી થઈ શકે છે.
આ ઉપરાંત કબજિયાત માટે કે હરસ - મસા માટે લેવાતા પ્રવાહી પેરેફિન જેવા ઔષધને કારણે પણ આ પ્રકારનાં વિટામિનોની ખામી થઈ શકે છે આ પ્રકારનાં
વિટામિન વધુ માત્રામાં લેવામાં આવે , તો તે શરીરને નુકસાન
કરે છે.
વિટામિન ' A ' ( રેટિનોલ ) :
- વિટામિન ' A ' ઓછા પ્રકાશમાં વસ્તુને જોવા માટે અત્યંત જરૂરી છે . આ
વિટામિનની ખામીવાળી વ્યક્તિને રતાંધળાપણાનો રોગ થાય છે.
- આ ઉપરાંત વિટામિન ' A ' ની ખામીથી અધિચ્છદીય પેશીના કોષ - કોષ વચ્ચેની મજબૂતાઈ ઘટવાને કારણે ચામડી , આંખ , મોં ,
આંતરડાં , શ્વસનતંત્ર , મૂત્રમાર્ગ
, ગર્ભાશય , યોનીમાર્ગ વગેરેના ચેપી
રોગોનું પ્રમાણ વધી જાય છે. આમાં ખાસ કરીને શરદી , ખાંસી ,
ઝાડા , ગૂમડાં , પેશાબની
બળતરા , આંખો આવવી જેવા રોગોનું પ્રમાણ વધે છે.
- આ ખામીથી આંખનું બાહ્ય પડ સૂકું અને કરચલીવાળું થાય છે અને
ક્યારેક ડોળાની બાજુમાં ફીણ જેવો રાખોડી ડાધ ( બિટોટ સ્પૉટ ) થાય છે. આ ખામી આગળ
વધે , તો ડોળામાં ચાંદું પડે છે અને હંમેશ માટે દૃષ્ટિ જતી રહે છે.
- વિટામિન ' A ' વધુ માત્રામાં લેવું પણ જોખમકારક છે. સગર્ભા સ્ત્રીને વધુ
માત્રામાં આપવામાં આવે , તો ગર્ભસ્થ શિશુને નુકસાન કરે છે. 5000
થી 10,000 યુનિટ આપવામાં આવે , તો ગર્ભસ્થ શિશુને ખૂબ લાભકારક છે .
- વિટામિન ' A ' ની રોજિંદી જરૂરિયાત 4500 થી
5000 આઈ.યુ. ( ઇન્ટરનેશનલ
યુનિટ ) છે.
- ભારતદેશમાં વર્ષે 30,000 થી વધુ લોકો વિટામિન ' A ' ની ખામીના કારણે અંધાપાનો ભોગ બને છે. આથી જ આ ખામી અટકાવવા માટે 6
માસથી 1 વર્ષના બાળકને 1 લાખ યુનિટ તથા 1 થી 6 વર્ષના
બાળકને 2 લાખ યુનિટ 6 માસે આપવામાં આવે
છે, આ ઉપરાંત ધાત્રીમાતાને સુવાવડ બાદ 2 લાખ અને સગર્ભાને દરરોજ 5000 યુનિટ આપવું હિતાવહ છે.
- વિટામિન ' A ' લીલાં પાંદડાંવાળાં શાકભાજી જેવાં કે તાંદળજો , મેથી , પાલક તથા અળવીનાં પાન , સરગવાનાં પાન , તેમજ કેરી , પપૈયું
, દૂધની મલાઈ , ઘી , ગાજર , માછલીના યકૃતનું તેલ વગેરેમાં વિપુલ
પ્રમાણમાં મળે છે.
વિટામિન ' B ' સમૂહ :
- વિટામિન ' B ' એ ખરેખર તો ઘણાં વિટામિનના સમૂહને આપેલું નામ છે. આ
સમૂહમાંથી અગત્યના વિટામિનનો અત્રે ઉલ્લેખ કરેલો છે.
વિટામિન ' B1 ' ( થાપામાઇન- Thiamine ) :
- આ વિટામિન કાર્બોદિત પદાર્થના ચયાપચય માટે જરૂરી છે , તેની ખામીને કારણે
શરીરમાં ગ્લુકોઝનું દહન સારી રીતે થઈ શકતું નથી તથા લૅક્ટિક ઍસિડ તેમજ પાયરુવિક ઍસિડનો પેશીઓમાં ભરાવે થાય છે. ભૂખ ન લાગવી , પગ દુ:ખવા ,
હાથપગનાં તળિયામાં બળતરા થવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે , જે હવે ખાસ જોવા મળતો નથી. વધુ પડતા દારૂના
સેવનથી આ વિટામિનની ખામી સર્જાઈ શકે છે.
- દર 1000 કિ કૅલરી દીઠ રોજિંદી જરૂરિયાત 0.5 મિગ્રા છે. એ ગણતરીએ જોતાં દરરોજ કુલ 1
થી 1.5 મિલિગ્રામની સરેરાશ જરૂરત પડે છે.
- સામાન્ય રીતે આ વિટામિન ઘઉં , ચોખા , કઠોળ , મગફળી વગેરેમાં સારા પ્રમાણમાં હોય છે, જ્યારે પૉલિશ કરેલાં ચોખા, મેંદો તથા ફોતરાં વગરની દાળમાં પ્રમાણ ઓછું થઈ જાય છે. જ્યારે કઠોળ , ચોખા વગેરેને ખૂબ ધોવાથી , રાંધવામાં સોડા નાંખવાથી કે તેમને પલાળીને કે બાફીને વધેલું પાણી ફેંકી દેવાથી આ વિટામિનની માત્રા ઘટી જાય છે.
વિટામિન ' B2 ' ( Riboflavin ) :
- શરીરમાં કોષના સ્તરે ઑક્સિડેશનમાં તથા શક્તિ માટેની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન ઉપયોગી છે.
- આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કિ કૅલરી દીઠ 0.6 મિગ્રા છે. આ વિટામિનની ખામીથી ઘણી વાર ચેતાતંત્ર અને
સ્નાયુઓ વચ્ચેની સંદેશાની આપ - લે ધીમી પડે છે અને મોતિયો આવવાની શક્યતા વધી જાય છે. તેમજ હોઠના ખૂણાઓમાં ચીરા પડી જાય છે.
- આર્થિક રીતે ગરીબવર્ગનાં બાળકોમાં આ વિટામિનની ખામી વધુ જોવા મળે છે.
- આ વિટામિન દૂધ , વટાણા , શીંગ ,
યિસ્ટ , ઈંડાં , લીલાં
શાકભાજીમાંથી વધુ પ્રમાણમાં મળે છે , જ્યારે અનાજ અને
કઠોળમાં તે ઠીક પ્રમાણમાં હોય છે.
વિટામિન ' B3 ' ( Niacin ) :
- નાયાસિન અથવા નિકોટિનીક ઍસિડ કાર્બોદિત પદાર્થ ,
ચરબી તથા પ્રોટીનની ચયાપચયની ક્રિયા માટે જરૂરી છે. ચામડી , આંતરડાં તથા ચેતાતંત્રનાં કાર્યો માટે પણ તે જરૂરી છે.
- નાયાસિન બનાવવા માટે ટ્રિપ્ટોફાન નામનો એમિનો ઍસિડ જરૂરી છે.
- સિંગદાણા તથા અશેળિયોમાં નાયાસિન પુષ્કળ પ્રમાણમાં મળે છે. કઠોળ તથા અનાજમાં નાયાસિન ઠીક પ્રમાણમાં હોય છે. દૂધમાંથી મળતું ટ્રિપ્ટોફાન પણ નાયાસિન બનાવવામાં ઉપયોગી થાય છે.
- મકાઈ કે જુવાર કાયમ ખાતાં હોય તેવા લોકોમાં આ
વિટામિનની ખામી વધુ જોવા મળે છે. દારૂના વધુ પડતા સેવનથી પણ આ ખામી થઈ શકે છે.
- આ વિટામિનની ખામીથી ઝાડા , ચામડીનો રોગ ( ડરમેટાઇડિસ ) તથા સ્મૃતિભ્રમ
થાય છે. આ ઉપરાંત જીભ અને મોં આવી જવું , હતાશા , ચીઢિયાપણું વગેરે પણ થઈ શકે છે . સૂર્યનો પ્રકાશ પડતો હોય , તેવા શરીરના ભાગોની ચામડીને વધુ અસર થાય છે.
- આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કિ કૅલરી દીઠ 6.6 મિગ્રા છે.
વિટામિન 'B6'( પાયરી ડૉક્સિન Pyridoxin )
:
- એમિનો ઍસિડ , ચરબી તથા કાર્બોદિત પદાર્થોની ચયાપચયની
ક્રિયામાં આ વિટામિન અગત્યનો ભાગ ભજવે છે.
- દૂધ, કઠોળ , અનાજ તથા શાકભાજીમાંથી આ વિટામિન મળી રહે છે. રિબોફ્લેવિન ( ' B2 ' વિટામિન ) ની અને પાયરોડૉક્સિન
( B6 ) ની વિટામિનની ખામીથી ચેતાઓને હાનિ પહોંચે છે તથા હાથ
- પગનાં તળિયાં બળવા લાગે છે.
- આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કેલરી દીઠ 2 મિગ્રા છે.
ફૉલેટ ( ફૉલિક ઍસિડ ) :
- આ વિટામિન ન્યુક્લિક ઍસિડ તથા લોહીના કણો બનાવવામાં ઉપયોગી
છે . ફૉલેટ લીલાં પાંદડાંવાળાં શાકભાજી , દૂધ , ફળ , કઠોળ તથા અનાજમાંથી મળી રહે છે.
- આ પદાર્થની ખામીને કારણે લોહી ફિક્કુ પડી જાય છે. જીભ આવી
જાય છે. મોમાં ચાંદા પડે અને ઝાડા થઈ જવા જેવી તકલીફો થાય છે, આ પદાર્થની રોજિંદી
જરૂરિયાત 100 માઈક્રોગ્રામ છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને આ
પદાર્થની વધુ જરૂર પડે છે. આથી સગર્ભા સ્ત્રીઓને લોહતત્ત્વો સાથે નિયમિત રીતે
ફૉલિક ઍસિડ આપવી જરૂરી છે.
વિટામિન ' C ' ( એસ્કોર્બિક એસિડ ) :
- વિટામિન ' C ' અથવા એસ્કોર્બિક એસિડ એ ગરમીના
કારણે સૌથી વધુ નાશ પામતું હોય છે. હાડકાં ,
કોમળ હાડકાં - કૂર્ચા , સંયોજક માંસપેશીઓ તથા
રક્તવાહિનીઓ માટે મદદરૂપ એવા કૉલેજન નામના તંતુઓના ઉત્પાદનમાં આ વિટામિન મહત્ત્વનો ભાગ ભજવે છે.
- આ વિટામિનની ખામી હોય , તો રક્તસ્રાવ વધુ થાય છે. જેમકે દાંતના પેઢામાંથી લોહી નીકળે છે. આવી
વ્યક્તિનાં હાડકાં જલદી ભાંગી જાય છે અને તેને વધુ થાક પણ લાગે છે. આ વિટામિન કૅન્સર ઉત્પન્ન કરતા નાઇટ્રોસેમાઇનને આંતરડામાં બનતું અટકાવે
છે. લોહતત્ત્વના શોષણમાં આ વિટામિન ખૂબ જ ઉપયોગી છે
.
- આ વિટામિનની વ્યક્તિની રોજિંદી જરૂરિયાત 40 થી 60 મિગ્રા છે. આમળાં , જામફળ , લીંબુ
, નારંગી , લીલાં પાંદડાંવાળી ભાજી તથા
ફણગાવેલા મગમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે.વિટામિન ' C ' દવા
રૂપે વધુ પડતું લાંબા સમય સુધી લેવાથી ઓક્ષેલિક
ઍસિડની પથરી થઈ શકે છે તથા શરીર વધુ પડતા વિટામિન
પર આધારિત થઈ જાય છે.
વિટામિન ' D ' ( કેલ્સિફેરોલ ) :
- હાડકાંના વિકાસ તથા કૅલ્શિયમની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન અત્યંત જરૂરી છે. ખોરાકમાંથી વધુ પ્રમાણમાં કૅલ્શિયમ આંતરડાં દ્વારા શોષીને લોહીમાં લઈ જવાનું તથા લોહમાંથી હાડકાંમાં પહોંચાડવાનું મુખ્ય કાર્ય કરે છે.
- સામાન્ય રીતે આ વિટામિન કૉડલિવર ઑઇલ , ઈડાં , દૂધ , સૂર્યનાં કોમળ કિરણો તેમાં રહેલ પારજાંબલી
કિરણોની મદદથી ત્વચા નીચે રહેલા સરગોસ્ટેરોલનું વિટામિન ' D ' બનાવે છે.
- વિટામિન ' D ' ની રોજિંદી જરૂરિયાત 200 થી 400
આંતરરાષ્ટ્રીય યુનિટ છે.
- આ વિટામિનની ઊણપથી અસ્થિવક્રતા , સુકતાન , ક્ષય , ન્યુમોનિયા , ઓછું વજન ,
દાંત બગડે , પાચનશક્તિના રોગ થાય છે. પાંસળીઓ ,
કેડ તથા સાંધાઓમાં દુખાવો થાય છે. હાડકાં પોચાં પડે છે અને
અસ્થિભંગની શક્યતા વધે છે.
વિટામિન ' E ' ( આલ્ફા ટોકોફેરોલ ):
- આ વિટામિન લીલાં શાકભાજી , માંસ , તેલીબિયાં ,
ટમેટાં , મકાઈ , માખણ ,
ફણગાવેલ કઠોળ , અનાજમાંથી પૂરતા પ્રમાણમાં મળે
છે . સામાન્ય રીતે આ વિટામિનની ખામી ઊભી થતી નથી , તેથી તેને
દવા સ્વરૂપે લેવાની જરૂર પડતી નથી.
- આ વિટામિન જાતીય તંદુરસ્તી માટે જરૂરી છે. પ્રજનન - અવયવો
ઉપર સારી અસર થાય છે. વિટામિન ' E ' સેક્સનું વિટામિન કહેવાય છે. તે કોષની દીવાલોને
મજબૂત રાખવામાં તથા વિટામિન ' A ' નું ઑક્સિડેશન અટકાવવામાં ઉપયોગી છે.
- આ વિટામિનની જરૂરિયાત રોજિંદી આશરે 10 મિગ્રા છે. વધુ પડતું
આપવાથી વ્યક્તિના લસિકાકણોને વિકૃત અસર થાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ ઘટવાની
શક્યતા પેદા થાય છે.
વિટામિન ' K ' :
- વિટામિન ' K1 ' ( ફાઇલોક્વિનોન ) અને વિટામિન ' K 2, ( મેનાક્વિનોન ) છે. વિટામિન ' K ' નો થોડો ભાગ આંતરડાંમાં રહેલા
ઉપયોગી બૅક્ટરિયાની સહાયથી ઉત્પન્ન થાય છે. બાકી લીલાં પાનવાળાં શાકભાજી , પાલકમાં, સોયાબીનમાં અને માંસમાં ખૂબ જ મળે છે.
- વિટામિન ' K ' રક્ત ગંઠાવાની ક્રિયામાં ઉપયોગી પ્રોથોમ્બિન તત્ત્વ બનાવવામાં ઉપયોગી છે.
- આ વિટામિનની ખામીથી રક્તસ્રાવ થવાની ફરિયાદ ઊભી થાય છે, આ કમળો અટકાવવામાં ઉપયૌગી છે , વધુ પડતી એન્ટિબાયોટિક દવાઓને કારણે આ ઉપયોગી બેક્ટરિયાનો નાશ થવાથી
વિટામિન ' K ' ની ખામી સર્જાય છે.
0 Komentar
Post a Comment